હવામાન વિભાગની આગાહી:અમદાવાદ સહિત રાજ્યમાં માવઠું પડવાની શક્યતા, સાઇક્લોનિક સર્ક્યુલેશન વાતાવરણમાં
સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોમાં વાદળિયું વાતાવરણ રહેવા છતાં લઘુતમ તાપમાનમાં વધારો થતાં ગરમી વધી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન છેલ્લા ચાર દિવસમાં 8 ડીગ્રી વધતાં ગરમીની સાથે બફારો અનુભવાયો હતો. હજુ ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ક્રમશ ગરમીમાં વધારો થશે, સાથો સાથ આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇ ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બુધવારે વાદળિયા વાતાવરણ વચ્ચે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડીગ્રી વધીને 36.7 ડીગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4 ડીગ્રી વધીને 22.1 ડીગ્રી નોંધાયું હતું. 6 માર્ચે અમદાવાદમાં ગરમીનો પારો 37 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. સાંજે શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.
સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી 9 શહેરોમાં ગરમીનો પારો 37 ડીગ્રીથી વધુ અને 9 શહેરોમાં લઘુતમ તાપમાન 21 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. 37.8 ડીગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું હતું. ચારથી પાંચ દિવસ રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત્ રહેવાની વકી છે.
15 માર્ચ પછી ગરમીનો પારો 40 ડીગ્રી પહોંચવાની શક્યતા
અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનોની અસરથી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડીગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુતમ તાપમાન 18.2 ડીગ્રી નોંધાયું હતું. જોકે આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યા બાદ 15 માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને 38 ડીગ્રી અને લઘુતમ તાપમાન 21 ડીગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.
રાજ્યનાં 14 શહેરમાં ગરમીનો પારો 35 ડીગ્રીથી વધુ નોંધાયો
ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે બુધવારે રાજ્યનાં 14 શહેરમાં ગરમીનો પારો 35 ડીગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ ગુરુવારે પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડીગ્રી વધી 36-37 ડીગ્રીએ પહોંચી શકે છે. જોકે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડીગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતાં તાપમાન વધી રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં 43 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે
રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના (La Niña) નબળું પડવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સીઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે.
ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા
બીજી બાજુ, આ વખતની સીઝનમાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેને કારણે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાને કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં એપ્રિલ મહિનાના બીજા તેમજ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં એમ 2 વખત કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. કમોસમી વરસાદનું જોર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે છે.
No comments:
Post a Comment